આપણું ઉમરેઠ

ચરોતરનો ઉંબરો..

SWAS સંસ્થાના સહયોગથી પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ …… ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા “સેલ્ફી વીથ પ્લાન્ટ” કાર્યક્રમ યોજાયો.


 શ્રી દેવકીનંદબાવાશ્રી (નંદાલય – વિદ્યાનગર)ની પ્રેરણા અને આશિર્વાદથી લગભગ પંચોતેર થી સો જેટલા યુવાનો અભિયાનમાં જોડાયા, છોડ સાથે સેલ્ફી લઈ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા કટીબધ્ધતા દર્શાવી.

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવતી સંસ્થા SWAS ના સહયોગથી ઉમરેઠના શ્રી ગિરિરાજધામ ખાતે શ્રી દેવકીનંદબાવાશ્રી (નંદાલય – વિદ્યાનગર)ની પ્રેરણા અને આશિર્વાદથી વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ યુવાનોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુ થી “સેલ્ફી વીથ પ્લાન્ટ” અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેનાર શ્રી દેવકીનંદજીબાવાશ્રીએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વ હવે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી પીડાઈ રહ્યું છે. ત્યારે ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ માટે જે સકારાત્મકતા દર્શાવી તે વખાણવા લાયક છે,તેઓએ ઉમેર્યું હત કે વૃક્ષા રોપણ કરવા થી વાતાવરણમાં સકારાત્મકતા આવે તે માટે વૃક્ષો રોપવા સાથે તેની જાળવણી પણ કરવી ખુબજ જરૂરી છે.ઉમરેઠમાં SWAS સંસ્થાના બેનર હેઠડ કેટલાય સમય થી પ્રેમલ દવે નામનો યુવાન અને તેઓના બે મિત્રો દ્વારા ઉમરેઠમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન કરવાનું ભગીરથ કાર્ય કરે છે,તેઓના આ કાર્યને વેગ આપવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના યુવાનો દ્વારા શ્રી ગીરીરાજધામ ઉમરેઠ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો અને આ તમામ વૃક્ષોનો યોગ્ય ઉછેર થાય તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી. આ ઉપરાંત યુવાનોમાં વૃક્ષોના જતન અંગે જાગૃતિ આવે તે હેતું થી ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના યુવાનો દ્વારા પ્લાટ સાથે સેલ્ફી લઈ સોશિયલ સાઈટ્સ પર અપલોડ કરી હતી. યુવાનોના સદર કાર્યની ઉમરેઠ ખડાયતા સમાજ સહીત નગરના લોકોએ ભારોભાર પ્રશંશા કરી હતી અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલ સદર કાર્યક્રમ ભવિષ્યમાં પણ આગળ ધપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે વધુ જાણકારી આપતા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યોએ જણાવ્યું હતુ કે પ્રવર્તમાન સમયમાં સેલ્ફીનો યુવાનોમાં ખાસ્સો ક્રેઝ છે ત્યારે પ્લાન્ટ સાથે સેલ્ફી લઈ યુવાનોમાં પર્યાવરણ બચાવવા માટે સંદેશો સારી રીતે પહોંચાડી શકાય છે. વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યો સહીત શ્રી ગીરીરાજધામ ઉમરેઠના સંચાલકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઉમરેઠમાં ભવ્ય શોભાયાત્રા બાદ ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી.


– શોભાયાત્રામાં “ગણપતિબાપા મોરિયા” ક્યાંય ન શંભળાયું, ડી.જે અને ઢોલ-નગારાના તાલથી ભક્તો ઝુમી ઉઠ્યા.

શેલતિયા કૃવા વિસ્તાર દ્વારા ૨૫મો ગણેશ મહોત્સવ ઉજવાયો હતો. શોભાયાત્રામાં ગણેશજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

શેલતિયા કૃવા વિસ્તાર દ્વારા ૨૫મો ગણેશ મહોત્સવ ઉજવાયો હતો. શોભાયાત્રામાં ગણેશજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ઉમરેઠમાં દશ દિવસ સુધી અતિથિ બનેલા દુંદાળા દેવ ગણેશજીને ભવ્ય શોભાયાત્રા બાદ ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સવારે દશ કલાક થી નગરના વિવિધ ગણેશ મંડલ દ્વારા શોભાયાત્રા ની શરૂઆત થઈ હતી, જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી અને આખરે નગરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રામ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રામ તળાવ ખાતે ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, વિસર્જન રાત્રી સુધી ચાલતા વીજ પુરવઠો સતત ચાલુ રહે તે માટે એમ.જી.વી.સી.એલની એક ટીમ ખડે પગે હાજર રહી હતી. નગરમાં શાંતિપૂર્ણ ગણેશજીની શોભાયાત્રા અને વિસર્જન સંપન્ન થાય તે માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ જે.એન.ગઢવીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

” ગણપતિબાપા મોરિયા” ની બૂમો ના શંભળાઈ..!

ફિલ્મી ગીતોની રમઝટ

ફિલ્મી ગીતોની રમઝટ

ગણેશજીની શોભાયાત્રામાં “ગણપતિબાપા મોરિયા”ની બૂમો બિલકુલ ના શંભળાઈ જેથી કેટલાક ભક્તો નિરાશ થયા હતા. નગરના કેટલાક એક્કલ દુક્કલ ગણેશ મંડળોને બાદ કરતા શોભાયાત્રામાં જોડાયેલ તમામ ગણેશ મંડળના લોકો ડી.જેના તાલ થી રીમીક્સ ગીતો ઉપર ઝુમતા નજરે પડ્યા હતા.

Jpeg

વાંટા સ્ટ્રીટ યુવક મંડલ દ્વારા પંચવટી વિસ્તારમાં દેશ ભક્તિ ગીતની રમઝટ બોલાવી હતી. ગણેશજીની શોભાયાત્રામાં એક યુવાન ત્રિરંગો લઈ આવ્યો હતો.

ગણેશજીને ભાવભીની વિદાય

ગણેશજીને ભાવભીની વિદાય

.

ઉમરેઠમાં ઉંદરો અન્નકુટ આરોગવા પધાર્યા..!


– વારાહી ચકલા યુવક મંળડ :  અન્નકુટમાં ચમત્કાર.

chamatkar01

ઉમરેઠના વારાહી ચકલા યુવક મંડળ ધ્વારા ગણેશજીને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરતી બાદ અચાનક ગણેશજીના વાહન કહેવાતા ઉંદર અન્નકુટ આરોગતા નજરે પડ્યા હતા. આ દિવ્ય નજારો જોઈ સૌ કોઈ અચરજમાં મુકાઈ ગયા હતા અને સદર ઘટનાને ગણેશજીનો ચમત્કાર સમજી નમસ્કાર કર્યા હતા. સદર ઘટના અંગે નગરમાં વાયુવેગે વાત ફેલાતા મોટી સંખ્યામાં ભક્તો વારાહી ચકલા યુવક મંડળના ગણેશજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.

ઉમરેઠ પીપળીમાતા ખાતે ગણેશ પંડાલમાં નવ નિર્મિત રામ તળાવની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર.


ramta0lav pipalimata_ganesh

ઉમરેઠમાં આવેલ રામ તળાવનું હાલમાં બ્યુટીફીકેશન ચાલી રહ્યું છે. બ્યુટીફીકેશનનું કામ અંતિમ તબક્કામાં આવી જતા આ વર્ષે ગણેશ વિસર્જન રામ તળાવ ખાતે જ કરવામાં આવશે. ત્યારે ગણેશ મહોત્સવની ઉજવણી દરમ્યાન નગરના પીપળીમાતા વિસ્તારમાં ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવમાં પંડાલમાં રામ તળાવની કૃતિ તૈયાર કરી મુકવામાં આવી છે. હાલમાં રામ તળાવ જે રીતે તૈયાર થયું છે તે જ રીતે તેની ઝાંખી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ નવનિર્મિત રામ તળાવની ઝાંખી હાલમાં નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઉમરેઠના વિવિધ વિસ્તારમાં ગણેશજીને અન્નકૂટ દર્શનનું આયોજન.


annkuted

દેવપથ ગૃપ – દેવશેરી – અન્નકુટ દર્શન

ઉમરેઠમાં ગણેશ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ગણેશ મહોત્સવની ઉજવણી અંતિમ તબક્કામાં આવી ગઈ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં આજે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠના દેવશેરી વિસ્તારમાં દેવપથ ગૃપ દ્વારા ગણેશજીને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો, ત્યારે નગરમાં ૨૫મો ગણેશ મહોત્સવ ઉજવતા શેલતિયા કૂવા, ખરાદીની કોઢ અને વાઘનાથ ચકલા તથા દાદાના દરબાર કાછીયાવાડ વિસ્તારમાં પણ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વિસ્તારમાં ગણેશજીના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પહેલા ઉમરેઠની ગટરની ખડકી,ચોકસી બજાર અને કર્ણાવટી સોસાયટી ખાતે બિરાજમાંન ગણેશજીને પણ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો આ દિવ્ય દર્શનનો લાભ જે તે વિસ્તારના લોકોએ લીધો હતો અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠમાં ગણેશ વિસર્જન રામ તળાવ ખાતે યોજાશે.


talav

ગત વર્ષે ઉમરેઠના રામતળાવનું બ્યુટીફીકેશન કાર્ય ચાલતુ હોવાને કારણે ગણેશ વિસર્જન મામલતદાર કચેરી સામે થી મલાવ તળાવમાં કરવામાં આવ્યું હતુ જ્યારે હાલમાં રામ તળાવની ફરતે રેલીંગ સહીત બેઠક વ્યવસ્થા અને લાઈટીંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામ તળાવના બ્યુટીફીકેશનની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે આ વર્ષે ગણેશ વિસર્જન રામ તળાવ ખાતે જ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું, તેઓએ ઉમેર્યું હતુ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રામ તળાવમાં ગણેશ વિસર્જન સારી રીતે પૂર્ણ થાય તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યા છે, તળાવમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં ભરાય તે માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યા છે.

ઉમરેઠના દેવશેરીના ગણેશજીની મહા-આરતી યોજાઈ


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ દેવશેરી વિસ્તારમાં ગણેશજીની મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ જે.એન.ગઢવી,આણંદ જિલ્લા સાંસદ લાલસિંહ વડોદિયા,ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીની આરધી ઉતારી ધન્યતાનો અનુભવ કર્યો હતો. દેવશેરી વિસ્તારમાં ગણેશજીના પંડાલની સજાવટ જોઈ ઉપસ્થિત મહેમાનોએ દેવપથ ગૃપના સભ્યોની પ્રશંશા કરી હતી અને પંડાલમાં મુકવામાં આવેલ વિઝીટર્સ બુકમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. દેવપથ ગૃપના ચાર્મિલ સોનીએ જણાવ્યું હતુ કે મહા-આરતી બાદ ઉપસ્થિત મહેમાનોનું સ્થાનિકોએ શાલ ઓઢાળી સન્માન કર્યું હતુ. ઉલ્લેખનીય છે દર વર્ષે અવનવી થીમ અને સજાવટને કારણે દેવપથ ગૃપના ગણેશજી ઉમરેઠમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

બ્રહ્માકુમારીઝ ઉમરેઠ દ્વારા આયોજીત જીવન-કૌશલ્ય શિક્ષણ શિબિરનું સમાપન


OM_SHANTI_PHOTO

યુવાધન દેશની તાકાત છે, જે દેશનો યુવા સમર્થ છે. સમર્પિત છે અને કર્મઠ છે તે દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આવશ્યકતા છે માત્ર ભણતર સાથે જીવન કૌશલ્યની. બ્રહ્માકુમારીઝે આ શિબિર યોજીને ઉમરેઠ વિસ્તારના યુવાનોની અમૂલ્ય સેવા કરી છે. ઉપરોક્ત શબ્દો ઉમરેઠ વૈકુંઠધામમાં યોજોયેલ જીવન કૌશલ્ય શિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોદીયા બોલ્યા હતા. ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના સહયોગથી ઉમરેઠ ખાતે ૧૬મી થી ૨૨મી સપ્ટેમ્બર દરમિયાન દૈનિક ૭ કલાક પ્રમાણે બિન-નિવાસી ધોરણે આ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ઉમરેઠ પંથકના ૫૦ યુવાન યુવતિઓએ આ તાલીમ લીધી હતી. જેમાં યુવાનોને જીવનોપયોગી કૌશલ્ય તનાવ પ્રબંધન, નિર્ણય લેવાની પ્રક્રિયા, લક્ષ્ય નિર્ધારણ, ચારિત્ર્ય ઘડતર માટેના વિવિધ મૂલ્યો, રોલ પ્લેઈંગ, અને સમાજમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાની મુલાકાત વગેરેનો સમાવેશ થાય છે. યુવાનોને મોગરી ખાતે આવેલ અંધ અપંગજન શિક્ષણ શાળાની મુલાકાતનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના નિષ્ણાંત સંગીતાબેન પાઠક, એમ.એસ.ડબ્લ્યુ. વિભાગના અધ્યાપિકા સાધનાબેન અધિકારી, વાલ્મિના નિવૃત્ત જોઈંટ ડાયરેક્ટર ભ્રાતા ડી.જી.પરમાર, બીબીઆઈટીના અધ્યાપક ભ્રાતા જે.ડી.ચૌહાન, મ.સ. યુનિવર્સિટીના નિવૃત્ત યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી અને હમ લલિતકલામંચ તેમજ સ્વામિનારાયણ વિદ્યાપીઠના પ્રાથમિક વિભાગના આચાર્યા ભગિની વેદકુમારીએ પોતાનો મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો હતો. સંસ્થામાંથી બી.કે. જાગૃતિબેન, બી.કે.નીતાબેન, બી.કે. અર્પિતાબેન તેમજ બી.કે. વિનયભાઈએ વિવિધ કૌશલ્યોની તાલીમ આપી હતી.

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ભક્તિભેર ઉજવણી


ઉમરેઠ શેલતીયા કુવા વિસ્તારમાં ૨૫મો ગણેશ મહોત્સવ

(1)shelatiya_kuvaઉમરેઠના શેલતીયા કુવા વિસ્તારમાં ૨૫મો ગણેશ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. રાત્રીના સમયે ધાર્મિક તેમજ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે ચાલુ વર્ષે ૨૫માં ગણેશ મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલ પાસે છોટા ભીમના શો નું આયોજન કરવામાં આવ્યું છે, જે જોવા માટે નાના બાળકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે ઉમરેઠમાં શેલતીયા કુવા વિસ્તારમાં ૨૫મો ગણેશ મહોત્સવ યાદગાર બનાવવા સ્થાનિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠમાં વરસાદ – ઠંડકનો અનુભવ કરતા નગરજનો


varsad212

આખરે લાંબાગાળાના વિરામબાદ ઉમરેઠમાં વરસાદ પડતા વારાવરણ ઠંડુ બની ગયું છે. એક તરફ વાતાવરણ ઠંડુ થતા નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે ત્યારે બીજી બાજૂ વરસાદને કારણે ગણેશ મહોત્સવના રંગમાં ભંગ પડવાની પણ લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે

ઉમરેઠ બ્રહ્મકુમારીઝ કેન્દ્રમાં જીવન કૌશલ શિબિર યોજાઈ.


વર્તમાન સમય શિક્ષણ, હસ્ત કૌશલ અને જીવન કૌશલનો છે. જો આપણે સકારાત્મક વલણ દાખવીયે તો યુવા અવસ્થામાં આપણે પોતાના જીવની ડાયરીમાં જે લખવા માગીએ છે,તે લખી શકીયે છે. યુવાનોમાં સકારાત્મક અભિગમ આવે અને તેઓ વ્યક્તિગત રીતે તેમજ સામાજિક રીતે આગવું પ્રદર્શન કરી શકે તે હેતુ થી યુવાનોને માર્ગદર્શન આપવા માટે ભારત સરકાર યુવા બાબતોના મંત્રાલય અને બ્રહ્મકુમારીઝ યુવા વિભાગ તેમજ વલ્લભ વિદ્યાનગર ગૃપ સેવાકેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ બ્રહ્મકુમારીઝ કેન્દ્ર ખાતે જીવન કૌશલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નગરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થીત મહેમાનોનું સ્વાગત બ્ર.કુ.નિતાબેનએ કર્યું હતું. સમારોહમાં ઉમરેઠના મુખ્ય સિવિલ જજ જી.ટી.સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પ્રેરણાદાયક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને પ્રેરણા આપતા વિદ્યાનગર કેન્દ્રના બ્ર.કુ.જાગૃતિબેનએ જણાવ્યું હતુ કે યુવાનોએ જિવનમાં હંમેશા સકારાત્મક અભિગમ દાખવવો જોઈયે, તેઓએ ઘળિયાલનું ઉદાહરણ આપતા જણાવ્યું હતુ કે જે રીતે ઘળિયાલ હંમેશા કાર્યશીલ રહે છે, ક્યાર પણ પાછળ નથી પડતુ અને લોકોને સમય સાથે રહેવાનો સંદેશ આપે છે તે રીતે યુવાનોએ પણ જીવનમાં સદાય સમયની માંગ મુજબ આગળ વધવું જોઈયે,જિવનમાં થયેલ ભૂલો થી શિખ મેળવી જોઈયે. ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના જીવનમાં થયેલા કેટલાક સકારાત્મક અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્ર.કુ.વિનય પંડ્યાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જીવન કૌશલ શિબિર તા.૧૬.૯.૨૦૧૫ થી ૨૨.૯.૨૦૧૫ સુધી ચાલશે જેમાં વિશેષ સિધ્ધિ પામેલ યુવકોને રાષ્ટ્રીય લેવલની શિબિરમાં જવાની તક મળશે તેમ બ્રહ્મકુમારીઝ સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું.

ઉમરેઠના દાદાના દરબારમાં નાળિયેરની કાચલીના રેસા માંથી બનાવેલ ગણેશજી બિરાજશે.


eco_ganeshઉમરેઠમાં સૌ-પ્રથમ ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત દાદાના દરબાર વિસ્તારે કરી હતી. ઉમરેઠમાં ગણેશ મહોત્સવ દરમ્યાન દાદાના દરબારના ગણેશજી હંમેશા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. સદર વિસ્તારના ગણેશજી લગભગ ૨૫ વર્ષ સુધી જાતે બનાવવાની પરંપરા હતી. ઈન્દ્રવદનભાઈ કાછીયા નામના વ્યક્તિ દ્વારા સ્થાનિકોની મદદથી સ્વહસ્તે ગણેશજીની પ્રતિમાં બનાવવામાં આવતી હતી ત્યાર બાદ સમય અને સંજોગો બદલાતા છેલ્લા બે-ત્રણ વર્ષથી દાદાના દરબારમાં ગણેશજીની મૂર્તિ બજાર માંથી ખરીદવાની પરંપરા ચાલી રહી છે. વધુમાં આ અંગે માહીતી આપતા દાદાના દરબારના આશીષભાઈ કાછીયાએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે ગણેશજીની મૂર્તિ અંબાજીથી લાવવામાં આવી છે.

આ વર્ષે દાદાના દરબારમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ સંપૂર્ણ રીતે ઈકો ફ્રેન્ડલી છે જેથી આ મૂર્તિના વિસર્જન સમયે પર્યાવરણને કોઈ પણ જાતનું નુકશાન નહી થાય.તેઓએ ઉમેર્યું હતુ કે સદર ગણેશજીની પ્રતિમાં નાળીયેરની કાચલી માંથી બનાવેલ છે.નાળીયેરની કાચલીના રેશાનો ઉપયોગ કરી આ મૂર્તિને આકાર આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠમાં દાદાના દરબાર દ્વારા ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, લગભગ છેલ્લા સત્તાવીશ વર્ષથી ઉમરેઠમાં દાદાના દરબાર દ્વારા ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે ગણેશજીની આરાધના કરવા દાદાના દરબારના સ્થાનિકો થનગનાટ કરી રહ્યા છે. દાદાના દરબારના સૂત્રોએ જણાવ્યું હતુ કે ગણેશ મહોત્સવ દરમ્યાન આરતી બાદ વિવિધ ધાર્મિક અને મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે જેનો ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોને લાભ લેવા આમંત્રણ છે.

મોબાઈલ,ચાંદિની મૂર્તિ અને સિક્કાની લાલચમાં… ઉમરેઠનો યુવાને રૂ.૩૫૦૦માં ઠગાયો.


તમારો મોબાઈલ નંબર ઈનામ માટે સિલેક્ટ થયો છે,પાર્સલ મોકલીયે છે રૂ.૩૫૦૦ ભરી છોડાવી લેજો. દિનપ્રતિદિન ઠગબાજો અવનવા પેતરા અજમાવી લોભીયા લોકોને પોતાનો શિકાર બનાવતા રહે છે. આવા લોભીયા લોકો પણ અવાર નવાર ઠગાઈ થતી હોવા છતા સસ્તામાં સિધ્ધપૂરની જાત્રા કરવાની લાહ્યમાં ઠગબાજોનો શિકાર બની જતા હોય છે. તાજેતરમાં આવાજ એક ઉમરેઠના લોભીયા યુવાનને ઠગબાજોએ નિશાન બનાવ્યો હતો ને આ યુવાનના રૂ.૩૫૦૦ ઠગી લીધા હતા. વધુમાં પ્રાપ્ત માહિતિ મુજબ શેરબજાર તેમજ એકાઊન્ટના વ્યવસાથ સાથે જોડાયેલા ઉમરેઠના એક યુવાન પર અચાનક કોઈ વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતુ કે,”તમારો મોબાઈલ નંબર ઈનામ માટે સિલેક્ટ થયો છે,તમને ચાંદીનો સિક્કો,ચાંદીની હનુમાનની મૂર્તિ અને એક ઈન્ટેક્ષ કંપનીનો મોબાઈલ ઈનામમાં મળે છે.ઈનામ તમારે મેળવવું હોય તો અમે પાર્સલ મોકલીયે તમારે પાર્સલ રૂ.૩૫૦૦ ભરી છોડાવવાનું રહેશે.” ઠગબાજની વાતોથી યુવાન ભોરમાઈ ગયો અને આ લોભીયા યુવાને ઈનામમાં મળવાપાત્ર વસ્તુની કિંમતની ગણતરી કરી ત્યારે રૂ.૧૫૦૦૦ની વસ્તુ રૂ.૩૫૦૦માં મળી જશે તેમ વિચારી તુરંત આ ઓફર સ્વીકારી ઠગબાજને રૂ.૩૫૦૦ ભરી પાર્સલ છોડાવવા માટે સકારાત્મક વલણ દાખવ્યું. ફોન પર વાત થયા મુજબ થગબાજોએ પાર્સલ રવાના કરી દીધુ અને લોભીયા યુવાને પાર્સલ મેળવી રૂ.૩૫૦૦ ભરપાઈ પણ કરી દીધા ત્યાર બાદ પાર્સલ ખોલતા અંદરથી એક સાદી હનુમાનજીની મૂર્તિ જ નિકળતા આ યુવાને જે નંબર પર થી ઈનામ અંગે જાણકારી આપવા ફોન આવ્યો હતો તે નંબર પર વારંવાર ફોન કરતા પણ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઠગબાજો હંમેશા આવા લોભિયા લોકોને ઠગવા અવનવા પેતરા અજમાવી રહ્યા છે, જેમાં ખાસ કરી આ રીતે ફોન કરી ઈનામ માટે તમારો નંબર પસંદ થયો છે તેમ જનાવી લોભીયા લોકોને ઠગતી ટોળકી સક્રીય થઈ છે.

પોલીસે સક્રીય થવાની જરૂર – સામાન્ય રીતે પોલીસ પર કામનું ભારણ વધારે હોય છે,જેથી રૂ.૩૫૦૦ જેવી નાની રકમના કેસ માટે યોગ્ય સમય ફાળવી શક્તા નથી પરંતુ જો પોલીસ આવા નાના કેસમાં સક્રીયતા દાખવી જે-તે નંબર પર થી ઠગબાજ ફોન કરતા હોય તે નંબરને ટ્રેસ કરી જરૂરી કાર્યવાહી કરે તો આવનારા દિવસમાં આવા ઠગબાજો અન્ય લોકોને છેતરતા અટકી શકે છે.

પાણી અને રસ્તાના મુદ્દે… ઉમરેઠના વોર્ડ નં.૭ના રહીશોની પાલિકામાં ઉગ્ર રજૂવાત.


રસ્તાના અધુરા કામ પૂર્ણ કરવા સહીત ટેન્ડર મુજબ કામ ન થતુ હોવાનો આક્ષેપ.

ઉમરેઠના વોર્ડ નં.૭માં નવા રસ્તાની અધુરી કામગીરી પૂર્ણ કરવા સહીત રસ્તાના કામ ટેન્ડર મુજબ ન થતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના વ્યાસચોરા, નાના ભાટવાડા તરફના વિસ્તારોનો વિકાસ છેલ્લા કેટલાય સમય થી રૂંધાઈ રહ્યો છે, સદર વિસ્તારમાં નવા રસ્તા બનાવવામાં વિલંબ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારમાં તો હજૂ પણ રસ્તાની કામગીરી અધુરી રાખવામાં આવી છે, જેને કારણે સ્થાનિકોને મુશ્કેલીઓ પડી રહી છે. આવનારા ગણેશ મહોત્સવ દરમ્યાન સદર વિસ્તાર માંથી અવર જવર કરવામાં પણ મુશ્કેલીઓ પડે તેમ છે, આ ઉપરાંત સદર વિસ્તારમાં પાણીની પણ સમસ્યા છે, હાલમાં ઓતરે દિવસે જ બે ટાઈમ પાણી આપવામાં આવે છે, અને પાણીનો ફોર્સ પણ પુરતા પ્રમાણમાં આવતો નથી જેથી ગૃહિણીઓ ખાસ પરેશાન થઈ ગઈ છે. સદર સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા અવાર નવાર પાલિકામાં રજૂઆતો કરી હોવા છતા કોઈ નક્કર પગલા લેવાયા ન હોવાથી આજે મોટી સંખ્યામાં વોર્ડ નં.૭ના યુવાનો મહિલાઓ સહીતના અગ્રણીઓ પાલિકામાં હલ્લાબોલ કરી પ્રમુખશ્રીને રજૂઆત-સુત્રોચ્ચાર કરી હતી અને જણાવ્યું હતુ કે પડતર પ્રશ્નોનો આવનારા દિવસોમાં નિકાલ નહી આવે તો ગાંધી ચિધ્યો માર્ગ અપનાવવામાં આવશે. વોર્ડ નં.૭ના રહીશોનું ઉગ્ર વલણ જોઈ પાલિકા તંત્ર સ્તબ્ધ બની ગયુ હતું. વોર્ડ નંબર .૭ના રહીશો દ્વારા પાલિકામાં સુત્રોચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વોર્ડ.૭ના રહીશો પાલિકા પટાંગણમાં આમરણાંત ઉપવાસની તૈયારીઓ સાથે આવ્યા હતા પરંતુ પાલિકા પ્રમુખ સંજય પટેલે સકારાત્મક અભિગમ દાખવી તેઓની સમસ્યાનું ગણેશ મહોત્સવ પહેલા નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી જેને કારણે સ્થાનિકો શાંત પડ્યા હતા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો

ઉમરેઠની પ્રગતિ સ્કૂલ તેમજ સરસ્વતી શીશુ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી.


unnamed

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને જન્માષ્ટમી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના સિનિયર વિદ્યાર્થીઓએ ભાગ લઈ મટકી ફોડી આનંદ ઉલ્લાસ સાથે સંપન્નક કર્યો હતો. શાળાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા વ્યક્ત કરી હતી, અને જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ જ્ઞાન નહી પણ ધાર્મિક જ્ઞાન પણ મેળવે તે હેતુ થી શાળામાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન અવારનવાર કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે તે સરાહનીય છે

ઉમરેઠની પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જૂનિયર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વજેસિંગ અલગોતરએ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતુ.

ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી


ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ર્ડો.રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં શિક્ષક દિવસની ઉજવની કરવામાં આવી હતી. આ સમયે શાળાના બાળકો દ્વારા પૌરાણિક સમયમાં જે રીતે ગુરૂ શિષ્યોને શિક્ષા આપતા હતા તેજ પરંપરા થી શિક્ષક કાર્ય કરવામાં આવ્યું હતું. ગુરૂ-શિષ્યો જે રીતે દેખાતા હતા તે રીતે વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવી હતી અને જમીન પર બેસી વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષક દિવસના સુંદર આયોજન બદલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય સહીત શિક્ષકોએ અભિનંદન સહીત શુભેચ્છા પાઠવી હતી.

ઉમરેઠની પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દિવસ ઉજવાયો.

ઉમરેઠની પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જૂનિયર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વજેસિંગ અલગોતરએ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતુ.

ઉમરેઠમાં યજ્ઞોપવીત સંસ્ક્રાર કાર્યક્રમ યોજાયો


શ્રાવણ માસમાં રક્ષા બંધનના દિવસે શ્રવણ નક્ષત્રમાં બ્રાહ્મણો યજ્ઞોપવિત્રી બદલે છે. યજ્ઞોપવિત્રીનો અર્થ – જે બીજા માટે કર્મ કરી પોતાના જ્ઞાનની શક્તિ વડે ત્યાગ અર્પણ કરી બીજાને જ્ઞાન સ્વરૃપ કર્મ કરી ત્યાગ અને બલીદાન આપે તેમને યજ્ઞોપવિત્રી કહે છે. યજ્ઞોપવિત્રીમાં ૩ તાર ના ધાગા હોય છે. તે દરેક તારમાં ત્રણ ત્રણ ધાગા હોય છે.  એટલે કુલ નવ તંતુ હોય છે. યજ્ઞોપવિત્રીમાં દરેક તંતુના દેવતા પ્રણવ, અગ્નિ, સર્પ, સોમ,તૃ, પ્રજાપતિ,અનીલ(વાયુ),યમ,વિશ્વદેવા.યજ્ઞોપવિત્રીમાં જે બ્રહ્મગાંઠ હોય છે તેના દેવતા – બ્રહમા , વિષ્ણુ, મહેશ છે. ઉમરેઠમાં બાજ ખેડાવાડ ઉત્સવ મંડળ દ્વારા સમાજ માટે નવીન યજ્ઞોપવિત્રી ધારણ કરવાનો ઋષી તર્પણ કાર્યક્રમ ગાયત્રી મંદિર ખાતે ભીખુભાઈ જોષી તેમજ અલ્પેશભાઈ દવેના ગુરુપદે યોજાયો હતો. સદર કાર્યક્રમમાં ૧૨ વર્ થી ૮૨ વર્ષના ૭૫ બટુકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના કન્વીનર તેમજ મંડળના કાર્યકારી પ્રમુખ યોગેશભાઈ શેલત દ્વારા સતત ત્રણ વર્ષ સુધી સમૂહ ભોજનના દાતા તરીકે સેવા આપનાર અશ્વિનભાઈ શેલતનું સન્માન કર્યું હતું. અને સમગ્ર બી.જે.શેલત પરિવારને સન્માનીત કર્યા હતા. સવારની ફરાળ માટેના દાતા અરૂણભાઈ દવેનું સન્માન સુરેશભાઈ જોષીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી મંદિર ટ્રસ્ટ,હિમાંશુભાઈ ભટ્ટ, બાજખેડાવાડ યુવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠના પીઢ પત્રકારને સન્માનિત કરાયા


kpતાજેતરમાં આણંદ જિલ્લા તંત્રી સંધ તરફથી જિલ્લાના પીઢ પત્રકારોનો સન્માન સમારોહ આણંદ લાયન્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે ઉમરેઠના પીઢ પત્રકાર અને મનોનિત સાપ્તાહિકના તંત્રી કમલકુમાર શાન્તુકુમાર વ્યાસ(પત્રકાર)ને પત્રકાર ક્ષેત્રે ૪૨ વર્ષ સુધી સેવા આપવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમરેઠના પીઢ પત્રકાર પિલુનભાઈ ગોસ્વામીને સન્માનીત કરવામાં આવ્યા હતા. પત્રકકારત્વ ક્ષેત્રે મદનલાલ દોશી(પેઈન્ટર)ને પોતાની સેવાઓ બદલ મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતુ તેઓનું સન્માન તેઓના પૂત્ર પરેશભાઈ દોશીએ સ્વીકારી તંત્રી સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠમાં મફત સર્વરોગ સારવાર કેમ્પ યોજાશે


ઉમરેઠમાં તા.૬.૯.૨૦૧૫ના રોજ બપોરે ૨ થી ૬ કલાકે એકડીયાની વાડી, ઓડ બજાર ઉમરેઠ ખાતે ર્ડોક્ટર સેલ ભાજપ આણંદ જિલ્લા તેમજ શ્રી સંતરામ વડીલોના વૃંદાવન દ્વારા લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને સદભાવના સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠના સહયોગથી મફત સર્વરોગ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં કાન,નાક-ગળાના ર્ડો.ધર્મેન્દ્ર પટેલ, જનરલ ફીજીશીયન ર્ડો.રાજેશ પટેલ,એક્યુપંક્ચર નિષ્ણાંત ર્ડો.જયદત્ત વ્યાસ, આયુર્વેદ આચાર્ય ર્ડો.એસ.બી.પઠાણ, દાંતના ર્ડો.પ્રવિણકુમાર તેમજ સ્ત્રીરોગ,બાળરોગ નિષ્ણાંત હોમીયોપેથી ર્ડો.હિતેશ પટેલ પોતાની સેવા આપશે.સદર કેમ્પનો લાભ લેવા ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામના લોકોને જણાવેલ છે.

એસ.એમ.એસ સેવા બ્લોક કરાતા નેટ બેંકિંગના વ્યવહારો અટવાયા.


otpનેટ બેકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોએ બેંકોના ધરમ ધક્કા ખાવાની ફરજ અમદાવાદમાં પાટીદાર સમાજની રેલી બાદ થયેલ તોફાનો બાદ અફવાઓ ન ફેલાય તે હેતુ થી સરકાર દ્વારા શોશિયલ સાઈટ્સ સહીત વોટ્સએપ તેમજ એસ.એમ.એસ સેવા બ્લોક કરી દેવામાં આવતા નેટ બેંકિંગ નો ઉપયોગ કરનાર વહેપારીઓ સહીત રીચાર્જના ધંધા સાથે સંકળાયેલ વહેપારીઓ ખાસ્સા પરેશાન થયા હતા. નેટ બેંકિંગમાં કોઈ ટ્રાનજેક્શન કરવામાં આવે તો ખાતાધારકના મોબાઈલ નંબર પર જે તે બેન્ક દ્વારા ઓ.ટી.પી (વન ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવે છે જે પાસવર્ડ કોમ્યુટરમાં નાખવામાં આવે ત્યારેજ ટ્રાન્જેક્શન પૂર્ણ થાય છે. આર.ટી.જી.એસ, એન.ઈ.એફ.ટી સહીત મોબાઈલ રી-ચાર્જ કરવા માટે પણ ઓ.ટી.પીની જરૂર પડે છે. પરંતુ સરકાર દ્વારા એસ.એમ.એસ સેવા બંધ કરવામાં આવતા લાખ્ખોના ટ્રાન્જેક્શનને અસર પડી રહી છે. નેટ બેકિંગની સુવિધા હોવા છતા વહેપારીઓએ બેંકના ધરમધક્કા ખાવાની ફરજ પડી રહી છે. બેંક પણ બંધના એલાન દરમ્યાન બંધ રહી હોવાને કારણે બેંકોના કામકાજ પર પણ ભારણ વધી ગયું છે જેથી બેંકમાં ગીરદી હોવાને કારણે વહેપારીઓ સહીત ખાતેદારોએ કલાકો સુધી બેંકમાં બેસી રહેવાની ફરજ પડે છે. ખાસ કરીને સદર પરિસ્થિતિ સરકારી બેંકમાં ઉભી થઈ છે. હાલમાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં શાંતિ પૂનઃ સ્થાપીત થઈ રહી છે, ત્યારે કમસેકમ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવે તો વહેપારીઓને રાહ્ત થઈ શકે છે અને બેંકના કર્મચારીઓને પણ કામનું ભારણ ઓછું થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠ યુથ કોગ્રેસ દ્વારા પાટીદાર સમાજના યુવાનો પર થયેલા દમણના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ જેમાં પણ યુથ કોગ્રેસ પ્રમુખ રવી પટેલે એસ.એમ.એસ સેવા ચાલુ કરવા માટે સરકારશ્રીને વિનંતી કરી હતી.આગામી દિવસમાં જો એસ.એમ.એસ સેવા ચાલુ નહી થાય તો વહેપારીઓ ખાસ્સા પરેશાન થશે તે નક્કી છે, ત્યારે સરકાર બેંકો સહીત કોમર્શિયલ સંસ્થા દ્વારા મોકલવામાં આવતા ઓ.ટી.પી ના એસ.એમ.એસ પણ છેવટે ચાલુ કરે તેવી લોક માંગ છે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 208 other followers

%d bloggers like this: